ગુજરાતમાં આગામી 36 કલાકમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી…

અમદાવાદ : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ – ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 36 કલાક રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતના કડી, કલોલ, ખેરાલુ, માણસા, વડનગર, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં બનાસ કાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ ઉપરાંત હવામાન વિભાગે 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.