લીકર પરમિટઃ શું ગાંધીનગર માત્ર શરૂઆત છે, ડાયમંડ બુર્સ સહિત અહીં પણ
અમદાવાદઃ ગુજરાત રાજ્ય સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. 1960થી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જોકે આ કાયદાનો અમલ હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે. ગઈકારની સરકારની જાહેરાત બાદ વિવિધ સ્થાનો પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપતાં કહ્યું કે, રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે.
જોકે ગઈકાલે જ્યારે ગિફ્ટ સિટિમાં લીકર પરમિટ અંગે જાહેરાત થઈ ત્યારથી અનેક તકર્વિતર્કો પ્રવર્તી રહ્યા છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદ્ઘાટન થયું તે સુરતના ડાયમંડ બુર્સમાં પણ આ છૂટ આપવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે શું આ ગિફ્ટ સિટિ શરૂઆત માત્ર છે અને આગળ અન્ય સ્થળોએ પણ છૂટ આપવામાં આવશે કે નહીં તેવા સવાલો થઈ રહ્યા છે.
સરકારના નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૂરીયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે બીજા દેશ અન રાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય તેના માટે સરકારનો નિર્ણય મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે.
જેની સાથે જ રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્યના વિવિધ શહેરોમાં માંગ ઊઠી છે. જેમાં સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે તે અંગે પણ તેમણે જણાવ્યુ હતુ કે, અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારણા કરશે. નોંધનીય છેકે, આ મુદ્દે સુરત ડાયમંડ બુર્સના ઉદ્યોગકારો દ્વારા પણ દારૂબંધી અંગે માગ ઊઠી છે. જેનાથી વેપારને પ્રોત્સાહન મળી શકે છે. તેવી રજુઆત કરવામાં આવી છે.
રાઘવજી પટેલે કહ્યું, ગિફ્ટ સિટીમાં દેશ – વિદેશના લોકો આવે છે. રાજ્યમાં કેટલાક કિસ્સામાં સરકાર પરમિટ આપે છે. તેમજ ગાંધીનગરમાં આ પહેલા પણ પરમિટ અપાઈ છે. તેમજ બહારથી આવતા લોકો દારૂ પીવે છે, માટે પોલિસી છે. જેના પર સરકારે લોકોની સુવિધા સચવાય તે માટે નિર્ણય છે. સમયે સમયે પરિસ્થિતિ બદલાય તેમ નિર્ણય લેવામાં આવે છે. નવા સંદર્ભમાં સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે. જેને હું આવકારું છું. રાજ્ય સરકારે તમામ પરિસ્થિતિ વિચારીને નિર્ણય લીધો છે.
સવાલ એ પણ છે કે ઘણા સમયથી પર્યટન સ્થળ જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, દ્વારકા નજીકનો શિવરાજ બિચ વગેરે જગ્યાઓ પણ પણ લીકર પરમિટ આપવામાં આવે તેવી માગણીઓ થઈ છે. ત્યારે તેના વિશે સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.
દરમિયાન સરકારના આ નિર્ણયને વિપક્ષો વખોડી રહ્યા છે અને આ મહિલા સુરક્ષા સહિતની સમસ્યાઓને જન્મ આપશે તેમ જણાવી રહ્યા છે.