નવરાત્રિના પ્રથમ નોરતે જ નડી શકે છે વરસાદનું ગ્રહણ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા…

અમદાવાદઃ આજથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહીથી ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતાતુર બન્યા છે.
કેટલાક જિલ્લામાં પ્રથમ નવરાત્રિએ વરસાદનું ગ્રહણ નડી શકે છે. હવામાન વિભાગ મુજબ, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ, અપર એર સાયક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ બે દિવસ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગ-આહવામાં સૌથી વધુ 2.09 ઇંચ, ભાવનગરમાં 1.93 ઇંચ, પારડીમાં 1.50 ઇંચ, રાજુલામાં 1.50 ઇંચ, હાંસોટમાં 1.50 ઇંચ, જાફરાબાદ 1.46 ઇંચ, નવસારીમાં 1.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 110.27 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 135.95 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 95.18 ટકા વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્યમાં 112.97 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે. નર્મદા ડેમની સંગ્રહ ક્ષમતાનો 95.85 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 94.25 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 145 ડેમ હાઈ એલર્ટ અને 115 ડેમ 100 ટકા ભરાયેલા છે. રાજ્યમાં હજુ પણ 70થી વધારે માર્ગ બંધ છે.