અમદાવાદમાં Metro Railના સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, Video વાયરલ
અમદાવાદ : દેશની રાજધાની નવી દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલમાં ચાલુ વરસાદે છત પડવાની ઘટના સામે આવી છે. તેવા સમયે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મેટ્રો રેલ (Metro Rail)સ્ટેશનની પણ આવી જ દુર્દશા સામે આવી છે. જેમાં શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે(Rain) મેટ્રો રેલ સ્ટેશનના કામકાજની પોલ ખોલી નાખી છે. જેમાં અમદાવાદ શહેરના ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે. આ વિડીયોમાં જોઇ શકાય છે મેટ્રો રેલ સ્ટેશનની છતમાંથી અનેક તરફથી પાણી ટપકી રહ્યું છે. જેમાં ટ્યુબલાઇટની આસપાસથી નીચે ફ્લોર પર પાણી ટપકી રહ્યું છે. જે મેટ્રો રેલ સ્ટેશનના કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત કરે છે.
કામમાં ગેરરીતિ આચરી હોવાની લોકમુખે ચર્ચા
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવા સમયે સામાન્ય વરસાદમાં જો મેટ્રો રેલ સ્ટેશનની છત ટપકવા લાગી છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં આ કામની ગુણવતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. તેમજ આ કામમાં પણ શું ગેરરીતિ આચરવામાં આવી છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. તેમજ જો સામાન્ય વરસાદમાં મેટ્રો સ્ટેશનના આવા હાલ છે તો ધોધમાર વરસાદના કેવા હાલ થશે. શું લોકો ધોધમાર વરસાદમાં મેટ્રોનો ઉપયોગ કરી શકશે કેમ ? તેમજ આ દરમ્યાન મુસાફરોની સલામતીનું કોણ ધ્યાન આપશે.