Top Newsઆપણું ગુજરાત

કચ્છ-સૌરાષ્ટ્રમાં હિમ જેવી ઠંડીઃ નલિયા 9 ડિગ્રી-રાજકોટ 10.1 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ગગડ્યું…

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનું નલિયા 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય રાજકોટમાં 10.1 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી અને અમરેલીમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા પરોઢિયે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ પારો 14.4 ડિગ્રી સુધી ગગડ્યો છે, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

બીજી તરફ, દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત અત્યારે ભીષણ ઠંડી અને શીતલહેરની ઝપેટમાં છે. પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી હાડ થીજવતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 9 જાન્યુઆરીએ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ગાઢ ધુમ્મસની સાથે શીતલહેરનો પ્રકોપ યથાવત રહેશે. ઠંડીથી બચવા માટે વહીવટીતંત્ર દ્વારા ઠેર-ઠેર રેન બસેરા બનાવવામાં આવ્યા છે, જ્યાં નિરાધાર લોકો આશરો લઈ રહ્યા છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના હવામાનમાં પણ આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મુંબઈમાં આગામી સાત દિવસ આકાશ મુખ્યત્વે સ્વચ્છ અથવા આંશિક વાદળછાયું રહેશે. 9 જાન્યુઆરીએ હળવા ધુમ્મસની શક્યતા છે, પરંતુ વરસાદની કોઈ આગાહી નથી. મુંબઈમાં મહત્તમ તાપમાન 31–32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 થી 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા શિયાળો મધ્યમ રહેશે. જોકે, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દક્ષિણ ભારતની વાત કરીએ તો, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આમ, દેશના જુદા જુદા ભાગોમાં હવામાનના અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. ઉત્તરમાં બરફીલા પવનોને કારણે કાતિલ ઠંડી છે, જ્યારે પશ્ચિમ ભારતમાં સૂકું હવામાન અને દક્ષિણમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી થોડા દિવસો સુધી ઠંડીના આ રાઉન્ડમાંથી રાહત મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button