“ગુજરાતી લેરી લાલા” એક જ મહિનામાં 1.78 લાખ વિદેશી મુસાફરો નોંધાયા…
અમદાવાદ: દેશના જ નહિ પણ વિશ્વના સીમાડાઓ ખેડવાની ગુજરાતીઓની ઓળખ ફરી સાચી ઠરી છે. ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાય છે. દેશના રાજ્યોમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અગર-જવર નોંધાઈ હોય તેમાં ગુજરાત સાતમા સ્થાને રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જુલાઈ મહિનામાં કુલ 13.45 લાખ મુસાફરોની અવરજવર ગુજરાતના એરપોર્ટ પર નોંધાઈ છે. જેમાં 11.67 લાખ ડોમેસ્ટિક અને 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા નોંધાઈ છે. વળી તેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી જ 1.67 લાખ આંતરરાષ્ટ્રીય અને 8.33 ડોમેસ્ટિક મુસાફરોનો સમાવેશ થાય છે.
વર્ષ 2023ની સરખામણીએ આ આંક જોવામાં આવે તો જાન્યુઆરીથી લઇને જુલાઈ માસ સુધીમાં 10.37 લાખ મુસાફરો હતા. જે સંખ્યા સાત મહિનામાં વધીને 63.01 લાખ થઇ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી જુલાઈમાં 1,119 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને 6,433 જેટલી ડોમેસ્ટિક ફલાઇટ હતી. આ એક જ મહિનામાં 10 લાખથી પણ વધુ મુસાફરો નોંધાયા છે.