આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 493 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 64 ગુના નોંધાયા

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ગુજસીટોકના 64 ગુના નોંધાયા છે, જેમાં કુલ 493 જેટલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં પોલીસે કચ્છ, મોરબી સહિતના વિસ્તારોમાં વ્યાજખોરોના વધતા ત્રાસને ડામવા માટે સૌથી વધુ ગુજસીટોકના ગુના નોંધ્યા છે. થોડા સમય પહેલાં જ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરો પર આ કાયદા હેઠળ કાર્યવાહી કરી તેમની મિલકત જપ્ત કરીને અલગ દાખલો બેસાડ્યો હતો.

ગોધરાની 9 આરોપીની ગેંગ સામે ગુનો નોંધાયો

ગોધરામાં ગૌ હત્યાના કેસમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો, જેને ગુજરાતમાં ગૌ હત્યાના કેસમાં નોંધાયેલો ગુજસીટોકનો પ્રથમ કેસ માનવામાં આવે છે, જોકે તેના તપાસ અધિકારી અલગ હતા. છેલ્લાં 10 વર્ષથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ગાય અને ગૌવંશની ઉઠાંતરી કરી તેની હત્યા કરી ગૌ માંસ વેચતી ગોધરાની 9 આરોપીની ગેંગ સામે ગુનો નોંધાયો હતો. આ ગેંગ સરકારી અધિકારીઓ ઉપર પણ હુમલા કરતી હતી. નિર્દોષ લોકોને ધાકધમકી આપવી, હુલ્લડ કરવા જેવા 45 ગુના પણ આ ગેંગના આરોપીઓ સામે નોંધાયા હતા.

સંગઠિત ગુના આચરતી ટોળી વિરુદ્ધ ગુજસીટોક દાખલ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ કે જે ગુજસીટોકના નિષ્ણાત અધિકારી મનાય છે તેમણે ગુજસીટોકના કાયદાથી કેવી રીતે ગુનાખોરી ઘટે છે એ વિશે જણાવ્યું હતું કે સંગઠિત ગુના આચરતી ટોળી વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવે છે અને ટોળીના તમામ સભ્યો તેમજ મદદગારો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આરોપીઓ લાંબો સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં રહે છે, જેની અસર ગુનાહિત માનસિકતા ધરાવનારી વ્યક્તિઓને પણ થાય છે. એના કારણે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થાય છે. આવી ટોળીના સભ્યોને જામીન મળી જાય અને તે બીજો ગુનો આચરે તો તેના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ થઇ શકે છે, જેના કારણે તે બીજો ગુનો આચરતા ડરે છે.

રાજકોટમાં મરઘા ગેંગના 21 શખસ વિરુદ્ધ ગુનો

રાજકોટમાં મરઘા ગેંગના 21 શખસ વિરુદ્ધ આ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગ પર મારામારી, આર્મ્સ એક્ટ, એનડીપીએસ, અપહરણ અને લૂંટ જેવા 36 મોટા ગુના નોંધાયેલા હતા. થોડા દિવસો પહેલાં જ રાજકોટમાં મરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે જાહેરમાં ફાયરિંગ થયું હતું, જેના પછી કડક કાર્યવાહી કરતાં પોલીસે પેંડા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. હવે મરઘા ગેંગને પણ આ કાયદાના સાણસામાં લેવાઇ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button