ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધિ, દરિયાકાંઠા વિસ્તારમાં ચેર વાવેતરમા દેશમાં પ્રથમ ક્રમે

અમદાવાદ : ગુજરાતમાં દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ‘મિષ્ટી’(મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઈન હેબિટેટ્સ એન્ડ ટૅન્જિબલ ઇન્કમ્સ) યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં આશરે 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરના(મેન્ગ્રૂવ)વાવેતર(Mangrove cultivation)સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
રાજ્યમાં ‘મિષ્ટી’યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં રૂપિય 76 કરોડથી વધુના ખર્ચે રાજ્યના આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મેન્ગ્રૂવ કવરના વિસ્તરણ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ‘મિષ્ટી’યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે.
પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા
મેન્ગ્રૂવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે. જેમાં ખારા પાણીમાં ઊગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, જે પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ્સ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે.
સસ્તન પ્રાણીઓ માટે પણ મેન્ગ્રૂવ મહત્વપૂર્ણ
એક અંદાજ મુજબ, માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રૂવ્સ પર નિર્ભર છે, જેઓ મેન્ગ્રૂવ વૃક્ષો નીચેના છીછરા પાણીનો પ્રજનન નર્સરી તરીકે ઉપયોગ કરે છે. તો વાંદરાઓ, સ્લોથ, વાઘ અને જરખ જેવા મોટા સસ્તન પ્રાણીઓ માટે પણ મેન્ગ્રૂવ મહત્વપૂર્ણ છે.
ઇકોસિસ્ટમ્સ માટે વરદાનરૂપ છે ગુજરાતનો દરિયાકિનારો, અનેક લોકોને આપે છે રોજગાર
મેન્ગ્રૂવ્સ (ચેર)નાં વૃક્ષો દરિયાકાંઠે ધોવાણ અટકાવવા એક ગ્રીન દીવાલનું કામ કરે છે અને તે માછલીઓના બ્રીડિંગ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે તે સાગરખેડૂ પરિવારોની રોજગારીમાં મહત્ત્વનો ફાળો આપે છે. વાવાઝોડા સમયે દરિયાકાંઠાને બચાવવા તેમજ ખારાશ વધતી અટકાવવામાં પણ ચેરનાં જંગલોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. જે આ વિસ્તારની કૃષિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
ગુજરાતનો 1,650 કિમીનો દરિયાકિનારો મેન્ગ્રૂવ્સ, પરવાળા અને લીલ-શેવાળ જેવા દરિયાઇ ઘાસ સહિત વિવિધ ઇકોસિસ્ટમ્સ માટે એક આદર્શ વાતાવરનું નિર્માણ કરે છે. ‘મિષ્ટી’ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષમાં આશરે 540 ચો.કિ.મી.માં ચેર વાવેતરના અપાયેલાં લક્ષ્યાંક સામે ગુજરાતે છેલ્લાં બે વર્ષમાં 190 ચો. કિમીથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ કર્યું છે.
ગુજરાતમાં 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રૂવ કવર
ગુજરાતનું મેન્ગ્રૂવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે, જેમાં રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચો. કિ.મી મેન્ગ્રૂવ કવર સાથે અગ્રેસર છે. જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રૂવ કવર ધરાવે છે.
ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રૂવ કવર ધરાવે છે. આ ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેન્ગ્રૂવ કવર ધરાવે છે.
મિષ્ટી યોજનાનો ઉદ્દેશ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા 5 જૂન, 2023ના રોજ પર્યાવરણ દિન નિમિત્તે દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેર (મેન્ગ્રૂવ) વાવેતર, મેન્ગ્રૂવ વિસ્તારોનું મૅપિંગ, મેન્ગ્રૂવ વિસ્તારોની ભૌગોલિક તથા હાઇડ્રોલોજી સ્થિતિ ચકાસવી, નર્સરી સ્થાપના, જનજાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને સંશોધન, મોનિટરિંગ તથા ઈકો ટૂરિઝમ સ્થળો વિકસાવવાના ઉદ્દેશથી MISHTI યોજના અમલમાં મૂકવામાં આવી હતી.