આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિસ્ત સમિતિની નિમણૂક કરી, જાણો કોને કોને મળ્યું સ્થાન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિસ્ત સમિતિની નિમણૂક કરી, જાણો કોને કોને મળ્યું સ્થાન

અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ પક્ષમાં ડખો શરૂ થયો હતો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નારાજ થઈને ગુજરાત વિધાનસભામાં આપના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત પક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ તેમને પક્ષ વિરોધી ગતિવિધિ માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પક્ષીય શિસ્ત માટે પ્રદેશ શિસ્ત સમિતિની નિમણૂક કરી હતી. જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના સહ પ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મહામંત્રી સાગરભાઈ રબારી તથા સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/AAPGujarat/status/1939238170178331073

ઉલ્લેખનીય છે કે ગત 2022ની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા હતા. બાદમાં વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાયા હતા, તેમણે ભાજપના કિરીટ પટેલને હરાવ્યા હતા.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ, રાજીનામા બાદ લેવાયો નિર્ણય

2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદની બેઠક પર ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી, પરંતુ આપના ઉમેશ મકવાણાનો વિજય થયો હતો. ઘનશ્યામ વિરાણીને 77802 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના મનહર પટેલને 19058 વોટ મળ્યા હતા. ઉમેશ મકવાણા 80581 મત મેળવીને વિજેતા બન્યા હતા.

હાલ આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં ગારિયાધારથી સુધીર વાઘાણી, ડેડીયાપાડાથી ચૈતર વસાવા અને જામજોધપુરથી હેમંત ખવા ધારાસભ્ય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button