ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસમાં સરેન્ડર કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે દેદિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જો કે ચૈતર વસાવા વનકર્મીને માર માર્યા બાદ ફરાર હતા.
હાઈ કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા. આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું હતું. આ પહેલાં તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ખોટા કેસ કરી મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે અને મને ગોંધી રાખવાનું કાવતરું કરાયું છે.
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યા પહેલાં વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મારા પર જે ખોટી ફરિયાદ થઇ છે તે બાબતે અમે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છીએ. એક મહિના સુધી હું તમારી સેવાકીય પ્રવૃત્તિ કરી શક્યો નથી એ બદલ હું માફી માગું છું.
તેમણે વધુમાં કહ્યું હતુ કે, હું ધારાસભ્ય બન્યો એ પછી મારા કામ જોઈને ભાજપના લોકોએ ખોટી રીતે ચૂંટાયો હોવાનું કહીને હાઇ કોર્ટમાં મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે પિટિશન દાખલ કરી હતી. જે કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ જાહેર કર્યો હતો. મારા પર ખોટા કેસો કરી મને અને મારા પરિવારને હેરાન કરવામાં
આવે છે.
તમે સૌ જાણો છો ગઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ આવી જ રીતે ચૂંટણી પહેલાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. આવી જ રીતે આ વખતે મને ગોંધી રાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે.