ગુજરાતની કાયાપલટ: રૂ. ૭,૭૩૭ કરોડના ખર્ચે ૧૨૪ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આપી મંજૂરી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતની કાયાપલટ: રૂ. ૭,૭૩૭ કરોડના ખર્ચે ૧૨૪ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આપી મંજૂરી

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. મુખ્ય પ્રધાને આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૨૪ કામો માટે રૂ.૭૭૩૭ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા હતા.

તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે ૫૫૭૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: 1632 કરોડના ખર્ચે યાત્રાધામ અંબાજીની થશે કાયાપલટઃ અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર

તદ્અનુસાર બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના ૯૨.૨૩ કિલોમીટર લંબાઈ માટે ૬૭.૪૩ કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના ૬૭.૩૦ કિ.મી. માટે રૂ.૧૫૮.૬ કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળના ૪૮.૫૫ કિ.મી માટે રૂ.૮૧.૩૮ કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના ૧૦૫.૦૫ કિ.મી રોડ માટે રૂ.૮૫૮.૩૯ કરોડ, કરજણ – ડભોઇ – બોડેલીના ૭૧.૧૦ કિ.મી રોડ માટે રૂ.૩૩૧.૧૬ કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના ૧૬૭.૫૪ કિ.મી. માટે રૂ.૧૫૧૪.૪૧ કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના ૧૪૩.૩૦ કિ.મી. રોડ માટે રૂ.૬૪૦.૩૦ કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના ૪૯.૯૦ રોડ માટે રૂ. ૮૬૧.૭૧ અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના ૬૪.૦૫ કિ.મી. રોડ માટે રૂ.૧૦૬૨.૮૨ કરોડ મંજૂર કર્યા હતા.

આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરીણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે.

આ પણ વાંચો: કાશી-ઉજ્જૈનની જેમ થશે સોમનાથની કાયાપલટ, 282 કરોડનો થશે ખર્ચ

મુખ્ય પ્રધઆને રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કર્યા હતા. તેમાથી૨૭૧ કિ.મી. લંબાઈમાં ૨૦ કામો હાથ ધરવામાં આવશે. આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે.

આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના ૭૯ કામો ૮૦૩ કિ.મી.માં હાથ ધરવા માટે ૯૮૬ રૂપિયાની મંજૂરી આપી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ લોકોને ઈઝ ઓફ લિવિંગ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button