ગુજરાતમાં સાવજો તો ખરા જ, પણ દરિયામાં હાઈ જમ્પ કરતી ડોલ્ફિન પણ આટલી છે
ગાંધીનગરઃ ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના કારણે અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં ડોલ્ફિન સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે. ત્યારે ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે. રાજ્યના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. જેમાં ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. ભારત સરકારે 5મી ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કર્યું છે.
વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાએ ડોલ્ફિન વસ્તી ગણતરી-2024ની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4,087 ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યની શોભા વધારે છે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 41 તાલુકામાં કમોસમી વરસાદ, આજે આવું રહેશે ગુજરાતનું વાતાવરણ
તેમણે ઉમેર્યું હતું કે, આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 5મી ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કર્યું છે. સાથે જ, ડોલ્ફિન ‘માનવમિત્ર જળચર’ તરીકે જાણીતી છે તેમજ તેના બૌદ્ધિક-મનોરંજક સ્વભાવ માટે લોકપ્રિય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડોલ્ફિનને માણવી- જોવી એ અપાર આનંદની સાથે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે,