આપણું ગુજરાત

ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન 480 પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે, 85 કંટ્રોલરૂમ બનાવાયા

ગાંધીનગર : ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.

પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા ૦૯ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. તેમણે લોકોને સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. આ સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : કચ્છમાં કરૂણા અભિયાન: જાણો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની કેવી રીતે થશે સારવાર

8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો સેવા આપશે

મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કરૂણા અભિયાન 2026 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480 વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે

રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરાયો છે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર થઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button