ગુજરાતમાં જન્માષ્ટમીએ મેઘરાજાએ રિસામણા છોડ્યાઃ 127 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા એક મહિના વિરામ બાદ જન્માષ્ટમીના પર્વ પર મેઘરાજાએ મહેરબાની વરસાવી હતી છે. ગુરૂવારે વહેલી સવારે છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 127 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં 27 તાલુકામાં એક ઈંચ અને આઠ તાલુકામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગ અને સુરત જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતાં. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુરૂવારે દિવસ દરમિયાન સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ડાંગ જિલ્લાના આહવામાં અઢી ઈંચ અને સુબીર તાલુકામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડાના કઠલાલમાં બે ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં પોણા બે ઈંચ, વલસાડના ધરમપુર, સુરેન્દ્રનગરના વઢવાણ અને પંચમહાલના મોરવા હડફ તાલુકામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં સાંજે છ થી રાતના 10 વાગ્યા સુધીમાં જ ત્રણ ઈંચ વરસાદ નોધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક મહિના વરસાદનો બ્રેક લાગતા જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે હવે ફરીથી વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.