આપણું ગુજરાત

ગુજરાતમાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ, આ તારીખે પ્રસિધ્ધ થશે ડ્રાફ્ટ મતદારયાદી…

ગાંધીનગર : ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR પ્રક્રિયા 14 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.હવે તા.19-12-2025ના શુક્રવારના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

વિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન

આ અંગે ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે.આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.

બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું

જયારે બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી.

3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું

જયારે છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા. તેમજ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.

મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો

આ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.

આ પણ વાંચો…દેશના ત્રણ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણી પંચે SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી, લાખો નામ દૂર કરાયા…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button