ગુજરાતમાં ટેકાના ભાવે રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરાઈ…

ગાંધીનગર : ગુજરાતમાં ટેકાના ભાવે શરુ કરાયેલી મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો નિર્ણય
આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂપિયા 15,000 કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કુલ 10 લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી
તેમણે કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ 10 લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર-2025 માં વરસેલા અતિભારે વરસાદમાં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂપિયા 1138 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ 1.25 લાખ જેટલા ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે.
22,000 પ્રતિ હેક્ટર સહાય આપવાનો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં ખેડૂતોને રૂપિયા 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



