આપણું ગુજરાત

અંબાજી મંદિર પ્રસાદ મામલે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રસાદ બનાવવા માટે મંગાવેલા ઘીના અમુક નમૂના ફેલ ગયા હોવાથી આ મામલે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને ગુણવત્તાયક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા મે. મોહિની કેટરર્સની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરી હતી. શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રકટ મે. મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ. ૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા ઘીનો ભેળશેળવાળો જથ્થો તા.૨૮મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સ ના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના ૨ લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, તપાસ દરમિયાન અંદાજે રૂ. ૮ લાખની કિંમતના ૧૫ કિગ્રાના કુલ ૧૮૮ ટીનમાંથી ૨૮૨૦ કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. વધુમાં રાજ્યના મોટા ધાર્મિક સ્થળોનું FSSAI-નવી દિલ્હી દ્વારા માન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા કૂલ ૪૭ મંદિર પરિસરનું ટ્રેનિંગ અને ઓડીટ કરાવવામાં આવ્યું હતું અને તેમને “Blissful Hygienic Offering to God (BHOG)” સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. જેમાં અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવી ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર પરિસરનું પણ “BHOG” સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે, તેમ માહિતી ખાતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button