આપણું ગુજરાત

જીટીયુએ નવી કોલેજ, જોડાણ, બેઠક વધારા સહિતની પ્રક્રિયા માટે કાર્યક્રમ જાહેર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષે નવી કોલેજોની મંજૂરી, રીન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. નવી કોલેજની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા તે સહિતની સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં જુલાઇ પહેલા નવી કોલેજને મંજૂરી આપી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવી ઇજનેરી, ફાર્મસી સહિતની કોલેજોની મંજૂરી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં જીટીયુ દ્વારા નવી કોલેજોની મંજૂરી, જોડાણ, કોર્સ, નવી કોલેજ સહિતની પ્રક્રિયા અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં નવી કોલેજની મંજૂરી અને વધારાની મંજૂરી માટે આગામી તા.૨૫મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે. આજ રીતે એફીડેવીટ સહિતના ડોક્યુમેન્ટના હાર્ડ કોપી આગામી તા.૨જી ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે. આ તમામની ચકાસણી કર્યા બાદ જે તે કોલેજમાં કયા પ્રકારના ક્ષતિઓ રહી છે તેની જાણકારી માટે તા.૭મી ફેબ્રુઆરીએ જાણકારી આપવામાં આવશે. તા.૧૫મી ફેબ્રુઆરી સુધીમાં યુનિવર્સિટી દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવશે. આગામી તા.૧લી માર્ચથી લઇને તા.૬ઠ્ઠી એપ્રિલ સુધી જે તે કોલેજ, સંસ્થા કે કોર્સ માટે શૈક્ષણિક તપાસ એટલે કે ઇન્સ્પેક્શન કરવામાં આવશે. ત્યારબાદ રીવ્યુ કમિટીની બેઠક તા.૧૦મી એપ્રિલથી તા.૨૦મી એપ્રિલ વચ્ચે મળશે. તા.૧૦મી મે સુધીમાં આખરી સૂનાવણી કરીને મે માસ સુધીમાં નવી ઇજનેરી, એમ.ઇ.,ફાર્મસી, ડી.ફાર્મ, એમ.ફાર્મ સહિતની કોલેજોને મંજૂરી આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ જ રીતે જૂન માસ સુધીમાં આ તમામ કોલેજો પૈકી જેઓ જોડાણ મેળવવા ઇચ્છતાં હોય તેમના માટે કાર્યવાહી કરવામાં આવશે. નવી કોલેજોને કાઉન્સિલ દ્વારા મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટીની ફાઇનલ મંજૂરી ૩૧મી જુલાઇ સુધીમાં આપી દેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button