આપણું ગુજરાત

ગાંધીધામ સંકુલની પાંચ ટીમ્બર પેઢીની આટલા કરોડની જીએસટી ચોરી પકડાઈ

ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ સંકુલમાં ટીમ્બરના ક્ષેત્રમાં ટેક્સચોરી કરનારાઓ પર હવે મોટી તવાઈ અમદાવાદની જીએસટી વિભાગની વિજિલન્સ વિંગ દ્વારા બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ દરોડો પાડીને ૩૭ કરોડના જીએસટી ચોરીના કૌભાંડનો, સ્થાનિક જીએસટી કચેરીને અંધારામાં રાખીને પર્દાફાશ કરતાં ટેક્સચોરોમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદ ડીજીજીઆઇની ટુકડીએ પાંચ પેઢીઓ વિદેશથી લાકડાં આયાત કરી તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરાતું હોવા અંગેની પૂર્વ બાતમીના આધારે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ૩૭ કરોડની જીએસટી ચોરી મળી આવી હતી તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી ૪૩ કરોડની સંભવિત બેનામી રોકડ રકમ પણ મળી આવી હતી.

Also read: ગાંધીધામની જવેલર્સ પેઢી પર રેઇડ કરનારી નકલી ઈડી ગેંગ જેલહવાલે

સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આ પ્રકરણમાં ૩૭ કરોડની જીએસટીની ચોરી બહાર આવ્યા બાદ અમદાવાદ ડીજીજીઆઇએ પેઢીના સંચાલકોના મોબાઇલ,લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી અથે મોકલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ અને ગાંધીધામ આસપાસ આવેલી ટીમ્બરની અમુક કંપનીઓ દ્વારા ખેડૂતો માટેના સરકારી સબસિડીયુક્ત યુરિયા ખાતરને યુક્તિપૂર્વક મંગાવીને પ્લાય બનાવવા વાપરવામાં આવે છે, તેમજ વનવિભાગની પરમીટ સાથે ચેડાં તો વળી કયાંક વિદેશથી લાકડું મંગાવી રોકડમાં તે વેંચી મારવામાં આવે છે.
આવા સંજોગોમાં અમદાવાદની ટીમે સફળ કાર્યવાહી કરીને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને ઉજાગર કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button