આડેધડ ઊભા થયેલા સાસણ-ગીરની રિસોર્ટ્સ પર જીએસટી વિભાગની તવાઈ

ગીર-સોમનાથઃ જીએસટી વિભાગ દ્વારા સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં હોટલો અને ફાર્મ હાઉસો પર બીજા દિવસે દરોડા યથાવત છે. તાલાળા-સાસણ ગીરમાં આવેલા 14 જેટલા રિસોર્ટ અને ફાર્મહાઉસ ઉપર જીએસટીની ટુકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ તપાસ દરમિયાન ફાર્મ હાઉસોમાં હોમસ્ટેના નામે ચાલતા રિસોર્ટસમાં મોટા પાયે અન્ડર બિલીંગ થતુ હોવાનું તેમજ અમૂક સ્થળે તો બિલ વગર જ રોકડા રૂપિયા લઇ બારોબાર રૂમ ભાડે આપી દેવામાં આવતા હોવાનું ખૂલ્યુ છે.
લોકસભાની ચૂંટણી પૂરી થતા જ હવે સરકારના વિભાગો સક્રિય થયા છે અને આચારસંહિતાના કારણે ઠપ્પ થયેલો દરોડા સહિતના સરકારી વહિવટી કામ શરૂ થયા છે.
આ પણ વાંચો: Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….
તાજેતરમાં આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાંથી કરોડોની કરચોરી ઝડપી લીધા બાદ હવે તાલાળા-સાસણ ગીરમાં આવેલા 14 જેટલા રિસોર્ટ અને ફાર્મહાઉસ ઉપર જીએસટીની ટુકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. તાલાળામાં 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં દરોડા પાડતા અન્યોમાં પણ ફફડાટ થયો છે. પાંચ-પાંચ અધિકારીની ટીમ બનાવી જીએસટી અંગે તપાસણી હાથ ધરી છે. આ માટે રાજકોટ અને ગાંધીનગરથી પણ જીએસટીના સ્ટાફને જૂનાગઢ બોલાવાયો હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે દરોડા યથાવત છે જેમાં તપાસ બાદ વધુ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી બહાર આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરતા આઈસ્ક્રીમ, જ્યૂસ, ભજીયા અને પીઝાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, 47 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રૂ. 40 કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. 6.75 કરોડ, પિઝાના રૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુસના રૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા