ફરી પકડાયું જીએસટી બોગસ બીલિંગ કૌભાંડઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા

રાજકોટઃ દેશમાં અને રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ ઘણા બૉગસ બિલિંગ કૌભાંડ ઝડપાયા છે. ગુજરાતમાં પણ વારંવાર મોટી રકમના ખોટા બિલ બનાવી જીએસટી ચોરીના કેસ બન્યા છે ત્યારે ફરી એક જીએસટી કૌભાંડ પકડાયું છે અને રાજ્યમાં ખળભળાટ મચાવનાર આ કૌભાંડનો રેલો રાજકોટ પહોંચ્યો છે.
રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલિંગ કૌંભાડ મામલે મોટી કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, અને રાજકોટ શહેરના અલગ-અલગ 4 સ્થળોનો સમાવેશ થાય છે.
બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે રાજકોટ પોલીસ વિભાગના ક્રાઈમ DCP દ્વારા પત્રકાર પરિષદ દરમ્યાન જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આજથી 20 દિવસ પહેલા માહિતી મળી હતી કે, બોગસ પેઢી ઉભી ખોલી તેના આધારે બોગસ GST બિલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે.
જે માહિતીના આધારે આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી જેમાં ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુન ટેક્સ ક્રેડિટ પાસોન કરવા માટે આપેલા હતા. જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી.એ. એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.
Also Read – ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડૉક્ટરોને અપાતું હતું કમીશન…
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120 (B) ગુન્હા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.