દિવ્યાંગો માટે GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો! | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

દિવ્યાંગો માટે GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિકલાંગો માટે એક સુવર્ણ તક સમાન ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડકટર પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ભરતી માટે શું છે લાયકાત? કોણ અરજી કરી શકે છે? શું રહેશે ભરતી પ્રક્રિયા?

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની જગ્યા માટેની ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમજ પાંચ વર્ષ માટે રૂ.26000 ફિક્સ પગાર મળશે. આ માટે 16 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી 16 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી સ્વીકારવામાં આવશે.

આ પણ વાંચો: GSRTCનો સંવેદનશીલ અભિગમ: વર્ષમાં 96 લાખથી વધુ દિવ્યાંગ પ્રવાસીએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો

નિગમ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર આ પદ માટે અરજી કરવા માટેની વયમર્યાદા 18થી 33 વર્ષ રહેશે પરંતુ સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની મહત્તમ છૂટછાટ લાગુ પડશે. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 સમકક્ષ રહેશે અને 100 ગુણની ઓ. એમ. આર. હેતુલક્ષી પરીક્ષા આપવાની રહેશે. તેના આધારે જ આખરી મેરીટ તૈયાર કરવામાં આવશે. જરૂરી પ્રમાણપત્રમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. તેમજ વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

હેતુલક્ષી ઓ. એમ. આર. પરીક્ષામાં અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન 20 ગુણ, રોડ સેફટી 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ, રિઝનિંગ 10 ગુણ, નિગમ તેમજ ભાડાને લગતી માહિતી 10 ગુણ, મોટર વ્હીકલ તેમજ પ્રાથમિક સારવારને લગતી માહિતી 10 ગુણ અને કોમ્પ્યુટરની પાયાની માહિતી 20 ગુણ મળીને કુલ 100 માર્કનું પેપર રહેશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button