મગફળીના ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન: SMSથી ચિંતિત ખેડૂતો માટે સરકારે કરી સ્પષ્ટતા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

મગફળીના ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન: SMSથી ચિંતિત ખેડૂતો માટે સરકારે કરી સ્પષ્ટતા

અમદાવાદઃ રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. આ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, પરંતુ કેટલાક ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રદ થયાનો એસએમએસ આવ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ખેડૂતોને ખાતરી આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કહ્યું કે, નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો એસએમએસ મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇ પણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. ખેતી નિયામકની કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત મગફળીના ઉત્પાદનમાં ઈતિહાસ રચશે, રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ

આ ઉપરાંત, ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લે-સ્ટોરમાંથી ડિજિટલ ક્રોપ સર્વે-ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે, તેના માટે બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત કૃષિ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કરતા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કહ્યું હતું કે, જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરુર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર, મગફળીનું સૌથી વધુ…

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button