Gujarat માં શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો, ફરાળી વાનગીઓ પણ મોંઘી થશે
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)5 ઓગષ્ટના રોજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. જો કે તે પૂર્વે જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં મળતી માહિતી મુજબ વેપારીઓએ સિંગતેલના 15 કિલોના ડબ્બા પર એક અઠવાડિયામાં રૂ. 80નો વધારો કર્યો છે. જ્યારે ભાવવધારા પાછળ વેપારીઓ મગફળીની ઓછી આવકને જવાબદાર ગણાવી રહ્યા છે. જો કે સિંગતેલના ભાવ વધારાના લીધે ફરાળી વાનગીઓ પણ મોંધી થશે.
15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2,800ની આસપાસ
ગુજરાતમાં હાલ હાલ સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2,800ની આસપાસ છે અને પાંચ લીટર ટીનનો ભાવ રૂ. 850 થયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ ફરાળ માટે સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરે છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગ વધી રહી છે.
આવતા દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી
જ્યારે તેલ મિલરોના જણાવ્યા મુજબ મગફ્ળીની સિઝન પૂર્ણ થવા પર છે અને ભારે વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં મગફ્ળીની આવકો ઓછી થઇ છે. આ સ્થિતિમાં મિલો પાસે પિલાણ કરવા માટે કાચામાલનો સ્ટોક ઓછો છે. માંગમા વધારા મુજબ પિલાણ ઓછું હોવાથી ભાવ વધી રહ્યા છે. જોકે, આવતા દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે.