ગુજરાતમા મહેમાન બનીને આવશો તો ઢોકળા તો મળશે પણ ચટણી નહીં મળે કારણ કે…

અમદાવાદઃ ગુજરાતના ઘરોમાં આજે પણ ઢોકળા બનતા રહે છે અને દુકાનોમાં પણ એટલા જ વેચાય છે, પણ હાલમાં તમે જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો તે તમને નાસ્તામાં ગરમાગરમ ઢોકળા કે બટેટાવડા પિરસશે, પણ લીલી છમ તીખી-મીઠી ચટણીની આશા ન રાખશો કારણ કે ચટણી આજકાલ લાખો ગુજરાતી પરિવારની ગજ્જા બહાર ચાલી ગઈ છે. આનું કારણ છે કોથમિર કે ધાણા. સતત વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને છે અને કોથમિર રૂ. 400થી 500 કિલો મળે છે. શાકભાજી સાથે વધારામાં મળતી કે દસેક રૂપિયામાં આખો ઝૂડો ઘરમાં આવતી કોથમિરનો આ ભાવ ગૃહિણીઓને અંચબામાં મૂકી રહ્યો છે.

શાક માર્કેટમાં કોથમીર, મેથી, લીંબુ મોંઘા થયા છે આ ઉપરાંત અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે હોલસેલ શાક માર્કેટમાં લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે. કોથમીર, લસણ, લીંબુ, હળદર અને આદુની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે હોલસેલ બજારમાં કોથમીરનો પ્રતિ કિલોનો ભાવ રૂ. 240 અને લસણનો રૂ. 320 બોલાયો છે. જેની સામે છૂટક બજારમાં કોથમીર રૂ. 400-500 અને લસણ રૂ. 400-450 પ્રતિ કિલો અને મેથી રૂ. 400ને પાર વેચાઈ રહી છે.
જ્યારે બીજી બાજુ વરસાદમાં લીંબુ જલ્દી ખરાબ થઇ જતા હોવાથી છૂટક બજારમાં લીંબુના ભાવ રૂ. 120થી 150 પ્રતિ કિલો થઇ ગયા છે. આ જ પ્રમાણે આદુ અને હળદર પણ છૂટક બજારમાં પ્રતિકિલો રૂ. 120થી 160માં વેચાય છે.
શાકભાજીની વાત કરીએ તો હોલસેલ બજારમાં ટીંડોળા રૂ. 130, ચોળી રૂ. 130, વટાણા રૂ. 180, તુવેર રૂ. 120 અને વાલોળ રૂ. 110ના ભાવથી વોચાઈ રહ્યા છે. આ શાકભાજીની હાલમાં સિઝન ન હોવાથી આવક ઓછી થઈ છે, જ્યારે બીજી બાજુ ઘણા બધા શાક વરસાદમાં જલ્દી ખરાબ થઈ જતાં હોવાથી ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવુ છે.
વરસાદ સાથે ખરાબ રસ્તાઓ પણ એક કારણ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજી ઉગાતા ખેડૂતોનો પાક ધોવાયો છે. રસ્તાઓ ઉખડી જતા યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. રસ્તાઓ ઉખડી જતા બટાકાનું ટ્રાન્સપોર્ટ પણ પ્રભાવિત થતાં ભાવ આસમાને પહોંચ્યા છે.
ચોમાસામાં સસ્તા મળતા લીંબુ પણ આ વર્ષે ફાલ ખરી જવાથી ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, કોબીજ સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. શાકભાજી જ નહીં કઠોળ અને દાળ મોંઘી હોવાથી ગરીબ પરિવારો માટે રોટલીને ચટણી પણ ગજ્જા બહારના થઈ ગયા છે. વરસાદે બે ત્રણ દિવસથી પોરો ખાધો છે ત્યારે શાકભાજી સસ્તાં થવાની લોકો રાહ જોઈ રહ્યા છે.