આપણું ગુજરાત

ગુજરાતના મંદિરો અને આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, શિષ્યોએ ગુરુચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અષાઢ સુદ પૂર્ણિમા, એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વની સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના મંદિરો, આશ્રમો અને ગુરુ ગાદી સ્થાનો પર વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યા હતા, જ્યાં શિષ્યોએ ગુરુના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પ્રાચીન અને પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષનાથ આશ્રમ, ભારતી આશ્રમ, રૂદ્રેશ્વર જાગીર, અને મહાદેવપથ ભારતી આશ્રમ સહિત અનેક આશ્રમોમાં વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવંદન, ગુરુચરણ સ્પર્શ, દક્ષિણા અર્પણ અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. શિષ્યોએ ગુરુના ચરણોમાં ફૂલ, નાળિયેર, ફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુઓના આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો. મુજકુંદ ગુફાના મહંત અને જગતગુરુ મહેન્દ્રાનંદગિરી મહારાજના સાનિધ્યમાં બાલાજી ધામ ખાતે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ.

સૌરાષ્ટ્રના પવિત્ર અને પ્ર્સિદ્ધ યાત્રાધામ એવા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને આ પવિત્ર પર્વ પર એક લાખથી વધુ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ગુરુ પુર્ણિમાના દિવસે ગુરુ આશ્રમ ખાતે સવારના પાંચ કલાકે મંગળા આરતી થઈ હતી ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ કરવામાં આવ્યું હતું. સવારે 8:30 થી 9:30 કલાક વચ્ચે ગુરુપૂજન તેમજ 9:30 થી 10 કલાકે રાજભોગ આરતી થઈ હતી. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે બગદાણા ખાતે દર પૂનમે ભાવિકોનો ધસારો રહેતો હોય છે, પરંતુ ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય આશરે 1 લાખથી પણ વધારે ભાવિકજનોએ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. અહીં આ તૈયારીઓને માટે તેમજ સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્ય ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે 100 ગામોના 4000 ભાઈઓ, તેમજ 25 થી વધુ ગામોના 2500 ઉપરાંત બહેનોએ સેવા આપી હતી.

ગુરુ પૂર્ણિમાની આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સરકારી વિભાગો સાથે પણ કાર્ય સંકલન માટે અલગ અલગ સરકારી વિભાગો સેવા કે પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય, વીજળી, પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે એક મીટિંગ યોજાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વળી ભાવિકોને પહોંચી વળવા માટે રાજ્યના પરિવહન નિગમ દ્વારા ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા ડેપો તરફથી બગદાણા સુધી વધારાના રૂટ પરથી બસો દોડાવવામાં આવી હતી.

આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 તેમ જ એમ્બ્યુલન્સ વાહનો સ્ટેન્ડ બાય રાખવામા આવ્યા હતા. ઉપરાંત બગદાણા સીએચસી અને બેલમપર પીએચસી આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રાથમિક સારવાર માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારે રસોડા – ભોજનશાળા ખાતે શુદ્ધ ઘીના લાડુનો 1,000 મણ પ્રસાદ સહિત 500 મણ ગાંઠિયા, દાળ 150 મણ,ભાત 200 મણ, રોટલી 250 મણ તેમ જ 500 મણ શાકભાજી તૈયાર કરવામાં આવ્યા હતા.

ખેડા જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર નડિયાદ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને રણછોડરાય મંદિર ડાકોરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ તમામ મંદિરોમાં ગુરુપૂજન, પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નડિયાદ સંતરામ મંદિરમાં મુખ્ય ગાદિપતિ રામદાસજી મહારાજના દર્શન તેમજ દિવ્ય અખંડ જ્યોતિના દર્શનનો લાભ લીધો હતો. કચ્છ જિલ્લાના રાપરના પૌરાણિક મહત્વ ધરાવતા દરીયાસ્થાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા અને નવધા રામાયણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર સંત ત્રિકમ સાહેબનું સમાધિ સ્થળ અને રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલા વડવાળા ધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. સમગ્ર ભારતના રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદી સ્થાન હોવાથી અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વડવાળા મંદિરના મહંત કણીરામ બાપુ દ્વારા સમાજના નાના બાળકોને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા આજે પણ યથાવત રહી હતી.

મંદિર ખાતે સંતવાણી, સમાધિ પૂજન અને ગુરુ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહામંડલેશ્વર કનીરામ બાપુ અને કોઠારી મુકુંદ સ્વામીએ સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની જાળવણી, ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના પરબ વાવડી ખાતે આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે પણ ગુરુ પુર્ણિમાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે સવારે 6 કલાકે ગણપતી પૂજન તેમ જ સંતોની સમાધિઓની આરતી કરવામાં આવી હતી. સવારે 10 કલાકે સદગુરુ પાદુકા પુજન તેમ જ સવારે 10:30 કલાકે દેવી-દેવતાઓને થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સવારે 11 કલાકથી તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાત્રે 9 કલાકે ક્ષીર સાગર પૂજન તેમ જ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન જ્ગ્યા ખાતે સૂફી ગઝલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોટાદના પાળિયાદ ખાતે વિસામણબાપુની જગ્યામાં ગુરુ પુર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આવેલ છે. સવારે 11:00 કલાકે વિસામણબાપુની ચરણપાદુકાનું પૂજન જગ્યાના મહંત નિર્મળાબાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ ધ્વજા પૂજન અને ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત ગોંડલના બાંદરા ગામ ખાતે ઉગારામ બાપાની જ્ગ્યા, વિરપુરમાં સંત જલારામ બાપાની જગ્યા, અમરેલીના ચલાલામાં દાન મહારાજની જ્ગ્યા તેમજ વિસાવદરમાં આપા ગિગાની જ્ગ્યા સતાધાર ખાતે પણ ગુરુ પુર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button