સિંધિયાનો સંદેશ: ગ્રામીણ ડાક સેવક એકતાનું પ્રતીક, ભારત પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક...
આપણું ગુજરાત

સિંધિયાનો સંદેશ: ગ્રામીણ ડાક સેવક એકતાનું પ્રતીક, ભારત પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક…

એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું

રાજપીપળાઃ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું હતું. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત છે.

ભારત માતાના બંધોની શ્રૃંખલા પૈકીના સૌથી વિશાળ અને ભારતની વિશાળ જળ ક્ષમતા-પ્રકૃતિની ધરોહર નર્મદા બંધના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે આપ સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કોઈપણ વ્યક્તિ નાણાંથી ભાવના ખરીદી શકતો નથી પરંતુ ડાક સેવક દરેક વ્યક્તિ-પરિવારની સદભાવના બની સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી બનીને અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે.

કેન્દ્રીય પ્રધાને વધુમાં ઉમેર્યું કે, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે. તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. ડાક સેવા એ જન સેવા છે, જે પરિવારનમાં નવી નોકરી-પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે.

સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા-વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પુરી પાડે છે. આવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા આમાં રહેલી છે કે, આધુનિકતા સાથે બદલાવ પણ એટલો જ જરૂરી છે. અને ભારત સરકારનો ડાક વિભાગ પણ તે દિશામાં કાર્ય કરી નાગરિકોને ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરવાવવામાં આગળ વધી રહ્યો છે.

પ્રધાને સૌ ગ્રામિણ ડાકસેવકોને વડા પ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટીક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કો-સેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાક સેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.

કેન્દ્રિય પ્રધાનના હસ્તે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના વિવિધ મંડલના ૨૫ જેટલા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમને ડાક વિભાગનો ડ્રોસકોડ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા.

શું હતો આ સંમેલનનો મુખ્ય હેતુ

સંમેલનનો મુખ્ય હેતુ ગ્રામિણ ડાક સેવકોની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામિણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો. જે ડાક વિભાગને ગ્રામિણ વિસ્તારમાં સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યો છે, જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે.

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ તથા સાતપુડા ગિરીમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

આ પણ વાંચો…કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના સાંસદ અને મેયરને કેમ ખખડાવ્યા? જાણો શું કહ્યું

સંબંધિત લેખો

Back to top button