BREKING: કડી, જોટાણા, વિસાવદર સહિત 6 તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી રખાઇ મુલતવી

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (Gujarat State Election Commission) દ્વારા ગઇકાલે જ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન કડી અને વિસાવદર વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં સમાવેશ થતાં ગામડાઓમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવાં આવી હતી. જો કે હવે ચૂંટણી આયોગે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકના મતવિસ્તાર તેમજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને મુલતવી રાખવામાં આવી છે.
આ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી
રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના તા.૨૯-૦૫-૨૦૨૫ના પત્રથી જણાવ્યા મુજબ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે, જેથી ૨૪-કડી (અ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગઇકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 8327 ગ્રામ પંચાયત માટે 22મી જૂને ચૂંટણી યોજાશે, જ્યારે 25મી જૂને રોજ મતગણતરી કરવામાં આવશે. ઓબીસી અનામતને કારણે છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયત ચૂંટણીની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ચૂંટણી આયોગની જાહેરાત બાદ ગ્રામ પંચાયતોમાં વહીવટી શાસનનો અંત આવશે.
બેલેટ પેપરથી યોજાશે મતદાન
8326 ગ્રામ પંચાયત માટે જે ચૂંટણી યોજાવાની છે તેમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મહત્વની વાત એ છે કેઆ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાણ યોજવામાં આવશે. 2 જૂને ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પડવામાં આવશે. જ્યારે 9મી જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે 11મી જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.