સરકારી સ્કૂલ ચલે હમ:ગરીબી કે સુવિધાઃ અમદાવાદમાં છેલ્લાં ૧૦ વર્ષમાં 55,000 બાળકો ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા

અમદાવાદઃ શિક્ષણ અને આરોગ્ય રાજ્ય સરકારની જવાબદારી છે અને દરેક બાળક-યુવાનને સારું અને પોષાય તેવું શિક્ષણ મળે તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. જોકે છેલ્લા વીસેક વર્ષોથી શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને માતા-પિતા નછૂટકે બાળકને ખાનગી શિક્ષણ આપવા મજબૂર થયા છે. માતા-પિતાનું જબરું આર્થિક શોષણ થાય છે અને બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા પણ કથળી છે. આ બધા વચ્ચે એક સમાચાર આવ્યા છે કે અમદાવાદ શહેરમાં દસ વર્ષમાં 55,000 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં શિક્ષણ લેવા આવ્યા છે. સરકાર આનું કારણ સુવિધાઓ વધી હોવાનું જણાવે છે, જો આ કારણ હોય તો આ ખૂબ જ સરાહનીય અને આનંદની વાત છે.
સરકારે જણાવ્યા અનુસાર રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 35 દિવસ બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓ ફરી ગૂંજી ઉઠી
અમદાવાદ શહેરના છેલ્લાં ૧૦ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૩ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.