સરકારે ખાલી કાગળ પર કાર્યવાહી કરી છે.. ગુજરાત હાઇકોર્ટે કેમ આમ કહ્યું?
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી યોજાઇ હતી. અનેક શહેરમાં અવારનવાર રસ્તા પર રખડતા ઢોરની અડફેટે વાહનચાલકો અને રાહદારીઓ આવી જાય છે અને ઇજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે છે, આ મામલે અનેકવાર હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક પગલા લેવા તાકીદ પણ કરી છે, તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરને લઇને હવે એક કન્ટેમ્પટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે કોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને કામગીરીનો હુકમ કર્યો છે. તેમ છતાં આ મામલે હજી પણ માત્ર અને માત્ર કાગળ પર જ કામ થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની એક્શન જોવા મળી નથી. રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. (Amc) જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ વાસ્તવિક હકીકત જુદી જ છે. ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી.
હાઇકોર્ટે અમદાવાદના પૂર્વ વિસ્તારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મણિનગર, નેહરુનગર, ઈસનપુરમાં રખડતા ઢોરની સ્થિતિ નિયંત્રણ બહાર છે. નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ જુઓ.સુનાવણી દરમિયાન નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજદાર સંતુષ્ટ ન હોય તો સૂચનો આપી શકે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું. રાજ્યના ચીફ સેક્રેટરીએ આ સંદર્ભમાં એફિડેવિટ ફાઈલ કરી નથી. જો અધિકારીઓ જ પ્રામાણિકતાપૂર્વક તેમનું કાર્ય ન કરતા હોય તો કોઇની હિંમત નથી કે કોર્ટના ઓર્ડરનું પાલન ન થાય એમ હાઇકોર્ટે જણાવ્યું હતું.