આપણું ગુજરાત

તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત: સરકારે જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ હવે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર બાદ હવે રાજ્યના દરેક સરકારી બાબુઓએ અને તેની પાછળ બેસનાર વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ બાદ હવે રાજ્યના તમામ સરકારી બાબુઓને ટુ વ્હીલર ચલાવતા સમયે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ આપ્યો છે. સરકારનો આ હુકમ સચિવાલયના તમામ વિભાગોને લાગુ પડશે, જો કે તે ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓના અધિકારીઓએ પણ આ હુકમનું ફરજિયાત પાલન કરવું પડશે. જો કે ટુ વ્હીલર ચાલક સિવાય પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ હુકમ કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવો ધ્યાને લઈને માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદાનું પાલન અને સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતાં-જતાં અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

સરકારના આ આદેશથી સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન પર આવતાં-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજિયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.

જો કે આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button