આપણું ગુજરાત

રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ મામલે સરકારનું આકરૂ વલણ, જાણો શું છે ગાઈડલાઈન

રાજ્યમાં મેડિકલ સહિત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલી રેગિંગની ઘટનાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચે આ સુનાવણી હાથ ધરી હતી.હાઈકોર્ટમાં સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને નાથવા માટેના નિયમો ઘડવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ સહિત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને નાથવા ગાઈડલાઈન બની ચૂકી છે. જેના અમલીકરણ માટે સરકારી ઠરાવ પણ પસાર થઈ ચૂક્યો છે. રેગિંગની ઘટનાઓને લઈને AICTE, MCI અને UGC અંતર્ગત આવતી જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમોનો ભંગ થશે, તેની સામે સક્ષમ ઓથોરિટી પગલાં ભરશે, જ્યારે સંસ્થાઓમાં રેગિંગને લઈને તેના હેડ જવાબદાર રહેશે. જો હેડ પણ પગલાં નહીં ભરે તો હેડની નિમણૂક કરનાર ઓથોરિટી હેડ સમક્ષ પગલાં ભરશે.

આ પણ વાંચો : ધોરણ 10 બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી થશે શરૂ

આ નિયમો ગુજરાતની અંદર આવેલી તમામ હાયર એજ્યુકેશન સંસ્થા ઉપર લાગૂ પડશે. જેમાં મેડિકલ કોલેજોનો પણ સમાવેશ થઈ જાય છે. જુદાજુદા સ્તરે એન્ટી રેગિંગ કમિટી ફરજિયાત કરાઈ છે, જેને લઈને રિઝોલ્યુશન પણ કરવામાં આવ્યું છે. સરકારે જે રિઝોલ્યુશન કર્યું છે, આ રિઝોલ્યુશનમાં જો ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ નહીં કરે તો તેની સામે પગલાં લેવાનો વિવાદિત મુદ્દો મૂકવામાં આવ્યો હતો. જેને લઈને કોર્ટ મિત્રે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટે MCI સંબંધી ગાઈડલાઈન સાથે ઓવરઓલ રિઝોલ્યુશન તૈયાર કરવા સરકારને સૂચના આપી હતી. સરકારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ જ AICTE, UGC અને MCIની રેગિંગની ગાઇડલાઇંન બની છે. જેથી તેના કડક અમલ માટે સરકાર ટૂંક સમયમાં જ એક પરિપત્ર બહાર પાડશે, જેનો અમલ રાજ્યની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ કરવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button