આપણું ગુજરાત

યુનિવર્સિટી એડમિશન લઈને સરકારનો નિર્ણય: GCAS પોર્ટલની મુદ્દત વધારાઈ

ગાંધીનગર: રાજ્યની 15સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા માટે આ વર્ષેથી GCAS – ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ પર અરજી કરીને વિદ્યાર્થીઓ પોતાની પસંદગી આપીને વિવિધ કોલેજોમાં એડમિશન લઈ શકે છે. પરંતુ આ પોર્ટલમાં કેટલાય સમયથી વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ સમસ્યાઓને લીધે એડમીશનથી વંચિત રહ્યા હતા, આથી વિવિધ સંગઠનો એન સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે સરકારે પોર્ટલને આગામી સમયમાં બીજા અને ત્રીજા રાઉન્ડ માટે ખોલવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ

ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીના ભવનો અને સલગ્ન કોલેજોમાં એડમિશનને લગતી એકસૂત્રતા જળવાઈ તે માટે GCAS પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી એક જ પોર્ટલ પરથી રાજ્ય સરકારની 15 યુનિવર્સિટીઓમાં એડમિશન માટે અરજી કરી શકે છે. જો કે આ પોર્ટલને લઈને વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે કોલેજોની અનેક બેઠકો જૂન મહિનો આવી ગયો હોવા છતાં ખાલી પડી રહી છે.

એડમિશન માટે ખુલશે પોર્ટલ:
અંતે સરકારે વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાને લઈ GCAS પોર્ટલ પર હજુ એડમિશન માટે અરજી ન કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં પોર્ટલ ખુલ્લુ મૂકવાનો નિર્ણય લીધો છે. આ બાબતે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી તા. 4 જુલાઈ થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. 1 જુલાઈ થી 3જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

વિષય-કોલેજ બદલવા કે એડમિશન રદ્દ કરાવી શકાશે:
GCAS પોર્ટલ મારફત કોલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે.
સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે. પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.

હાલ કેટલા વિદ્યાર્થીઓને મળી ઓફર:
વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓને લઈને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો અને વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ GCAS પર અરજી કરેલ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે 27 થી 29 જૂન દરમિયાન બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩.૪૨ લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button