ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો
જીઆઈડીસીને વર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આજે રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં જીઆઈડીસીને જમીન ફાળવણીની પોલિસી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને (GIDC) ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કર્યો છે, એમ સરકારના આ નિર્ણયની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે અને GIDC દ્વારા આ જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે છે. હાલની પદ્ધતિ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા સરકારી જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ નક્કી થયેલા ભાવે પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણા બધા કિસ્સામાં જમીનના દર વર્તમાન દર કરતા વધુ થતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
કેટલો ચૂકવવો પડશે જંત્રી દર?
વિવિધ પ્રકારની સમસ્યાઓના નિકાલ અને આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકાર હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ત્રણ કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે, જે મુજબ કેટેગરી-1 માં સમાવિષ્ટ 119 તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે.
કેટેગરી-2માં સમાવિષ્ટ 76 તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125 ટકા દરે, જ્યારે કેટેગરી-3માં સમાવિષ્ટ 56 તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150 ટકા દરે જમીન ફાળવવામાં આવશે.