ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડ ભર્યા વિના છૂટકો નહીં, સરકારે અજમાવી આ યુક્તિ

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકોને પાઠવવામાં આવતા ઈ-ચલાન(E-challan)ની ચુકવણી કરવમાં ન આવતી હોવાના અહેવાલો અનેકવાર પ્રકાશિત થઇ ચુક્યા છે. વાહન ચાલકો પણ ઈ-ચલાનનો ડર રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડે છે. હવે ગુજરાત સરકાર (Government of Gujarat) વાહનચાલકો પાસેથી આપોઆપ દંડ વસૂલવા માટે “ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ” શરૂ કરવાનું વિચારી રહી છે.
રાજ્ય સરકાર PUC સર્ટીફીકેટ, વીમો અથવા ટેક્સ ચુકવણીની રસીદો જેવા આવશ્યક દસ્તાવેજો ન ધરાવતા વાહનચાલકો પાસેથી આપમેળે દંડ વસૂલવા ઈ-ચલાનને વાહનના FASTag સાથે જોડી દેવામાં આવશે.
ઈ-ડિટેક્શન પ્રોજેક્ટની શરૂઆત ટ્રાન્સપોર્ટ વાહનોથી કરવામાં આવશે, આ માટે ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) નો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેમાં પછીના તબક્કામાં ખાનગી વાહનોને સમાવવાની યોજના છે.
રાજ્યના પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે જુલાઈના અંતમાં ચાર ટોલ ટેક્સ ચેકપોઇન્ટ પર પ્રોજેક્ટ શરૂ કરીશું. પ્રથમ તબક્કામાં, અમે પરિવહન વાહનો (પીળી નંબર પ્લેટ વાળા કેબ ટેક્સી, માલસામાન વાહનો, બસો અને અન્ય)નો સમાવેશ કર્યો છે. બીજા તબક્કામાં ખાનગી વાહનો ઉમેરવામાં આવશે.”
રાજ્ય સરકાર અનપેડ ઇ-ચલાનના મુદ્દાને ઉકેલવા માટે આ પગલા ભરી રહી છે.
પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “પછી તે પરિવહન વાહન હોય કે ખાનગી વાહન, દરેક વાહન પાસે જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ હોવી આવશ્યક છે. જો કે, મોટી સંખ્યામાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેથી જ અમે ‘ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ’ અમલમાં મૂકી રહ્યા છીએ, ”
નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ કલેક્શન કેન્દ્રોને પ્રોજેક્ટમાં જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં, આ ટોલ પ્લાઝા પરના ઓપરેટરો દરરોજ તમામ પરિવહન વાહનોનો ડેટા ઈ-ડિટેક્શન સોફ્ટવેર પર અપલોડ કરશે.
આ ડેટાને ‘વ્હીકલ સોફ્ટવેર’ સાથે ચકાસવામાં આવશે અને બાકી વીમા, PUC પ્રમાણપત્રો, પરમિટ, ટેક્સ અથવા ફિટનેસ સર્ટિફિકેટ ન ધરાવતા કોઈપણ પરિવહન વાહનોને ‘ઈ-ચલાન’ સૉફ્ટવેર દ્વારા ચલાન પાઠવી કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. વાહન માલિકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા નોટિફિકેશન પણ પ્રાપ્ત થશે.