સરકારી નોકરીની મોટી તક: GSSSB એ જાહેર કરી વર્ક આસિસ્ટન્ટની ૩૩૬ જગ્યાઓ, જાણો ક્યારથી ભરાશે ફોર્મ?

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકની વિવિધ વર્તુળ કચેરીઓમાં વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-૩) સંવર્ગની કુલ ૩૩૬ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી પ્રક્રિયા અને પગારધોરણ
ઉમેદવારોએ તા. ૧૬/૦૧/૨૦૨૬ થી તા. ૩૦/૦૧/૨૦૨૬ સુધીમાં ઓજસની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૨૬,૦૦૦/- ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ તેઓ રૂ. ૨૫,૫૦૦/- થી રૂ. ૮૧,૧૦૦/- (લેવલ-૪) ના નિયમિત પગારધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર થશે.
મુખ્ય શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવાર સિવિલ ઈજનેરીમાં ડિપ્લોમા (Diploma in Civil Engineering) અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. Bachelor’s Degree (BE/B.Tech) સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે પાત્ર નથી. એટલે કે, જેમણે માત્ર ડિગ્રી કરી છે અથવા ડિપ્લોમા પછી ડિગ્રી કરી છે, તેઓ આમાં લાયક ગણાશે નહીં. આ ભરતી માત્ર ડિપ્લોમા ધારકો માટે જ છે. ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ, ગુજરાતી અથવા હિન્દી, અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
જો કે તેની સાથે ૧. ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ, ૨. ડિપ્લોમા ઇન સિવિલ ડ્રાફ્ટ્સમેન (Draftsman), ૩. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, ૪. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એન્ડ પ્લાનિંગ, ૫. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (બિલ્ડિંગ સર્વિસ એન્જિનિયરિંગ), ૬. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (કન્સ્ટ્રક્શન ટેકનોલોજી), ૭. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (કન્સ્ટ્રક્શન), ૮. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (રૂરલ એન્જિનિયરિંગ), ૯. ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી, ૧૦. ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, ૧૧. ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, ૧૨. ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ૧૩. ડિપ્લોમા ઇન ક્વોન્ટિટી સર્વેઇંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ૧૪. ડિપ્લોમા ઇન સર્વે એન્જિનિયરિંગ અને ૧૫. ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ હોય તે પણ અરજી કરી શકે છે.
પરીક્ષા પદ્ધતિ
પસંદગી પ્રક્રિયા એક જ તબક્કામાં MCQ આધારિત (CBRT/OMR પદ્ધતિ) લેવામાં આવશે, જે બે ભાગમાં વહેંચાયેલી હશે. Part-A માં તાર્કિક કસોટીઓ, ગાણિતિક કસોટીઓ, ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના કુલ ૯૦ ગુણના પ્રશ્નો રહેશે. જ્યારે Part-B માં ઉમેદવારના ટેકનિકલ વિષય (સિવિલ એન્જિનિયરિંગ) અને તેની ઉપયોગિતાને લગતા ૧૨૦ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ, કુલ ૨૧૦ ગુણની પરીક્ષાના આધારે ગુણવત્તા યાદી તૈયાર કરવામાં આવશે.



