ગુજરાતમાં સરકારી છાત્રાલય પ્રવેશ: 16,000થી વધુ વિદ્યાર્થીની યાદી જાહેર

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી-સમરસ છાત્રાલય પ્રવેશની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયા અને રાજ્ય પ્રધાન ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીની ઓનલાઈન મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આ મેરિટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ ૮૦ છાત્રાલયોના ૨,૨૩૧ કુમાર અને ૧,૬૭૧ કન્યા મળીને કુલ ૩,૯૦૨ વિદ્યાર્થીઓ તેમ જ વિકસતી જાતિ ક્લ્યાણ હેઠળ ૫૮ છાત્રાલયોના ૧,૮૫૫ કુમાર અને ૯૬૫ કન્યા મળીને કુલ ૨,૮૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૩ છાત્રાલયોના ૫,૩૨૨ કુમાર અને ૪,૫૫૩ કન્યા મળીને ૯,૮૭૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. મેરીટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં એસએમએસ માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે.