સસ્તા અનાજની દુકાનના “રેઢા-રાજ”થી હેરાન નહિ થાય સામાન્ય નાગરિક: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના 73 લાખ NFSA રેશન કાર્ડધારકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાજ્યના નાગરિકોને સસ્તા અનાજની દુકાનમાં જઈ ધક્કો ખાવો પડશે નહિ, સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની મળતી ફરિયાદો બાદ સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય બાદ હવે સસ્તા અનાજની દુકાન બંધ નહિ રહે અને વિતરકોએ પોતાની ગેરહાજરીમાં બીજાને ચાર્જ સોંપવો પડશે.
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોની અનેક સમસ્યાઓને લઈને સામાન્ય પ્રજાને મોટાભાગે હેરાન થવાનું જ નસીબમાં આવતું હોય આથી રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર રોક લગાવવામાં આવી છે. હવે દરેક દુકાનદારોની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા લેવામાં આવશે અને આ માટે સરકાર સસ્તા અનાજની દુકાનોમાં બાયોમેટ્રિક મશીન લગાવશે.
આ પણ વાંચો : Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
આ સાથે હવે દુકાનદાર પોતાની મરજીના આધારે દુકાનમાં રજા રાખી શકશે નહિ. સસ્તા અનાજના દુકાનદારે દુકાન બંધ રાખવા માટે હવે મામલતદાર પાસે રજાની મંજૂરી લેવી પડશે. આ સાથે જ રાશન વિતરકોએ તેમની ગેરહાજરીમાં ચાર્જ કોણ સંભાળશે તેની જાણ કરવાની રહેશે અને કોઈ અન્યને ચાર્જ સોંપવો પડશે. દુકાનદારે બહાર જતાં પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને જાણમાં લેવાના રહેશે.