વિરોધીઓના એજન્ડા અંગે ગોરધન ઝડફિયાનું નિવેદન: ગુજરાતની છબિ ખરડાવનારાઓને જનતાએ નકાર્યા…

અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સતત વિજય અને વિરોધ પક્ષોના એજન્ડા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે વર્ષ 1995માં 121 બેઠક અને ત્યાર બાદ 1998માં 119 બેઠક સાથે જીત મેળવી હતી. 1995થી અત્યાર સુધીમાં આ સતત સાતમી સરકાર છે, જે દર્શાવે છે કે જનતાનો વિશ્વાસ અવિરત રહ્યો છે.
વિરોધીઓએ હંમેશાં એવો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવી શકે છે, પરંતુ જનતાએ દરેક વખતે તેમને નકારી કાઢ્યા હતા. તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિરોધીઓએ ભાજપને પરાજિત કરવા માટે વારંવાર પાયાવિહોણા આક્ષેપો કર્યા અને ગુજરાતની છબિને ખરડવાના પણ પ્રયત્નો કર્યા હતા. જોકે, ચૂંટણી પૂર્વેની તૈયારીઓ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી ચૂંટણી રેલીઓ તથા યાત્રાઓના સંકલન દરમિયાન એ સ્પષ્ટ દેખાતું હતું કે લોકોમાં ભાજપ પ્રત્યે ભારે ઉત્સાહ અને રોમાંચ હતો.
રાજકીય વિશ્લેષણ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપના શાસન અને વિકાસની રાજનીતિને સ્વીકારી છે. પીએમ મોદીના નેતૃત્વમાં મળેલી જીત એ વિરોધીઓના નકારાત્મક નેરેટિવનો જડબાતોડ જવાબ છે. રાજ્યમાં સાતમી વખત સરકાર બનવી એ કોઈ નાનો ફેરફાર નથી, પરંતુ ભાજપની મજબૂત પકડ અને લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
આ પણ વાંચો…‘પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો, પત્નીને પૂછજો પરિણામ શું આવે છેઃ’ ગોરધન ઝડફિયાની ટકોર



