આપણું ગુજરાત

સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…

જૂનાગઢઃ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો વિજય થયો હતો. આ જીત બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પાટીલ ગુજરાતમાં ધારાસભ્યોને તોડવા-ફોડવાની દુકાન ચલાવતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

હું સી. આર. પાટીલને ચેલેન્જ આપું છું કે…
ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે કોઈ ધારાસભ્ય પોતાની પાર્ટીમાં નારાજ હોય તો તેમને અલગ પાડવાની પદ્ધતિ સી.આર. પાટીલ વર્ષોથી અપનાવે છે. ઉમેશ મકવાણા મામલે હું સી. આર. પાટીલને ચેલેન્જ આપું છું કે, જો હિંમત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી પછી બોટાદમાં ચૂંટણી થવા દો ત્યારે ખબર પડશે જનતાનો ચુકાદો શું આવે છે. વિસાવદરની ચૂંટણીમાં જનતાએ કિરીટ પટેલ અને સી. આર. પાટીલ બંનેને ભૂંડી રીતે હરાવ્યા છે, જેને લઈને તેઓ ગુસ્સામાં છે. જો સી. આર. પાટીલમાં હિંમત હોય તો ઉમેશ મકવાણાને રાજીનામું અપાવી બોટાદમાં સામનો કરે તેવી મારી ખુલ્લી ચેલેન્જ છે.

સરકારના નાના કર્મચારીએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું
આ ઉપરાંત તેમણે કહ્યું કે વિસાવદરની ચૂંટણીમાં જનતાએ સત્યને સમર્થન આપ્યું છે. અમારી જીત પાછળ ઘણા લોકોનો હાથ છે. ભાજપના ઘણા મિત્રો, વેપારીઓ, સરકારી તંત્રના નાના કર્મચારીઓએ પણ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. ભાજપમાં પણ સત્યને ઓળખતા અનેક સારા લોકો છે.જ્યારે રાક્ષસી માનસિકતા સામે લડવાની વાત આવે, ત્યારે બધાએ સાથે મળીને ચાલવું પડે અને તે જ થયું.

ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા
ઉલ્લેખનીય છે કે વિસાવદર પેટાચૂંટણીમાં આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58288 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેતા કોંગ્રેસના નીતિન રાણપરીયાને 5501 મત મળ્યા હતા. આ વિજયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું બળ વધ્યું છે, તેની સાથે આત્મ વિશ્વાસ પણ વધ્યો છે.

આપણ વાંચો : મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયોઃ જીત બાદ ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button