ગુજરાતના રાજકારણમાં ‘ચેલેન્જ વોર’: ગોપાલ ઈટાલીયાના રાજીનામા પર ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા!

વિસાવદર: તાજેતરમાં જ જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરની પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ભાજપને ટક્કર આપીને મોટી સફળતા મેળવી હતી. તેમની આ જીત બાદ તેઓ ગુજરાત સહીત દેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા હતાં. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ચેલન્જ વોર શરુ થઇ હતી. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા(Kantibhai Amrutiya)એ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપીને મોરબી પરથી ચુંટણી લડવાનો પડકાર ફેંકતા રાજકારણ વધુ ગરમાયું હતું. જો કે આ મામલે હવે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી.
ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે
મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે કે ગોપાલ ઈટાલીયા રાજીનામું આપીને મોરબી પરથી ચુંટણી લડે અને જો તેઓ જીતે તો તેમને બે કરોડનું ઇનામ આપશે. જેનો ગોપાલ ઈટાલીયાએ સ્વીકાર કર્યો હતો. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે શરુ થયેલા ચેલેન્જ વોરને લઈને રાજકારણ વધુ ગરમાયું હતું. જો કે આ મામલે હવે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડ્યા છે અને તેઓ એના માટે કામ કરતા રહેશે અને આથી જ ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે.
આ પણ વાંચો: સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…
ભાજપના પેટમાં તેલ રેડાય રહ્યું છે
આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આગળ કહ્યું હતું કે ગોપાલભાઈની જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે જનતા સ્વયંભૂ જાગૃત થઈ રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાય રહ્યું છે. ગોપાલભાઈ વિસાવદરનાં લોકોની વચ્ચે રહી મજબુતાઈથી કામ કરી રહ્યા છે
બન્ને ધારાસભ્યોની આંતરીક લડાઇ: ભાજપ
ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શરુ થયેલા ચેલેન્જ વોર મુદ્દે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી અને પાર્ટી દ્વારા ધારાસભ્ય રાજીનામુ આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ બન્ને ધારાસભ્યોની આંતરીક લડાઇ છે. આંતરીક લડાઇમાં શુ પરીણામ આવશે અને શુ કરવુ તે બન્ને ઘારાસભ્યો જ નક્કી કરશે જેમાં પક્ષ કોઇ પ્રકારનુ સ્ટેન્ડ નહી લે.