ગોપાલ vs કાનો: પડકાર પોલિટિક્સનું નાટ્યાત્મક સમાધાન, પાટીદાર અગ્રણીએ ખેલ પાડ્યો!

ગાંધીનગરઃ આજે ગુજરાતમાં સૌની નજર ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા (કાનો) પર હતી. ગોપાલ ઈટાલિયાએ આપેલી ચેલેન્જને લઈ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે વાજત ગાજતે ગાંધીનગર આવ્યા હતા. આશરે 100 જેટલી કારનો કાફલો લઈને તેઓ સમર્થકો સાથે સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે 12:30 વાગ્યા સુધી ગોપાલ ઈટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભામાંથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભામાં પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘીના ઠામમાં ઘી પાડવા માટે એક પાટીદાર અગ્રણીએ મોટી ભૂમિકા ભજવી હતી. આ પાટીદાર અગ્રણીએ બંનેને એક માર્મિક ટકોર પણ કરી હતી. ઉપરાંત વિવાદની શરૂઆતથી જ સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ગોપાલ ઈટાલિયા પર ₹ 10 કરોડનો બદનક્ષીનો દાવો: શું છે સમગ્ર મામલો?
આ ચેલેન્જ પોલિટિક્સથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. આ ચેલેન્જ પોલિટિક્સને લઈને વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપતાં જણાવ્યું કે, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાએ યો રાજકીય સ્ટંટ કર્યો હતો અને બન્નેમાંથી કોઈપણે વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક કર્યો નહોતો. મારી પાસે આવો કોઈ વિષય આવ્યો નથી. બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે કે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપીને મોરબી પરથી ચૂંટણી લડે અને જો તેઓ જીતે તો તેમને બે કરોડનું ઇનામ આપશે. જેનો ગોપાલ ઈટાલીયાએ સ્વીકાર કર્યો હતો. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે શરુ થયેલા ચેલેન્જ વોરને લઈને રાજકારણ વધુ ગરમાયું હતું. જો કે આ મામલે હવે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડ્યા છે અને તેઓ એના માટે કામ કરતા રહેશે અને આથી જ ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે.
આ પણ વાંચો: સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…
બન્ને ધારાસભ્યોની આંતરિક લડાઇ: ભાજપ
ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શરુ થયેલા ચેલેન્જ વોર મુદ્દે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી અને પાર્ટી દ્વારા ધારાસભ્ય રાજીનામું આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ બન્ને ધારાસભ્યોની આંતરીક લડાઇ છે. આંતરિક લડાઇમાં શું પરિણામ આવશે અને શુ કરવું તે બન્ને ઘારાસભ્યો જ નક્કી કરશે, જેમાં પક્ષ કોઇ પ્રકારનું સ્ટેન્ડ નહી લે.