ગોપાલ ઇટાલિયાનો લેટર બોમ્બ: કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા બદલ ગૃહમંત્રીને 'પદભ્રષ્ટ' કરવા રાજ્યપાલને પત્ર લખ્યો...
આપણું ગુજરાત

ગોપાલ ઇટાલિયાનો લેટર બોમ્બ: કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા બદલ ગૃહમંત્રીને ‘પદભ્રષ્ટ’ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો…

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહેતા આમ આદમી પાર્ટીના નેતા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ગુજરાતમાં કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિની વાત કરી હતી અને આ તમામ નિષ્ફળતાઓ માટે રાજ્યના ગૃહ પ્રધાનને જવાબદાર ગણાવી તેને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મળતી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ રાજ્યના રાજ્યપાલને પત્ર લખીને કહ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ચિંતાજનક કથળી ગઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ -માત્ર એક વર્ષમાં 9 હજારથી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે. 898 કરોડની ચોરીઓ થયેલી છે, જેમાંથી (૭૭%) ૬૪૩ કરોડનો મુદ્દામાલ હજુ સુધી મળેલ નથી.

તેમણે આગળ લખ્યું કે, અપહરણના કેસ વધી રહ્યા છે, માત્ર અમદાવાદમાં ૨૫૧૧ કેસ નોંધાયા છે, જેમાંથી ૭૩૪ લોકો વિશે અત્યાર સુધી કોઈ અતોપત્તો મળ્યો નથી.આ આંકડાઓ સાબિત કરે છે કે, રાજ્યનું ગૃહ મંત્રાલય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ ગયું છે.જનતાની સુરક્ષા કરવી એ ગૃહ વિભાગનું મુખ્ય કાર્ય છે.

પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો પોતાને અસુરક્ષિત માને છે જે ગૃહ મંત્રીની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે.આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ છોડતા ન હોય તો રાજ્યપાલશ્રી તરીકે આપને વિનંતી છે કે,આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય અને જવાબદાર વ્યક્તિને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠકના ધારાસભ્ય છે અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા હતા. ચૂંટણી દરમિયાન અમુક બુથ પર ચૂંટણી પંચે વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું હોવાનું અને લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બે બુથ પર પુનઃ મતદાન થયું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button