પહેલગામ હુમલાના પીડિતોને 1 કરોડની સહાય કરવા આપના નેતા ગોપાલ ઇટાલિયાની માંગ

અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને મૃતકોના પરિવારોને ૧ કરોડ રૂપિયાની સહાય તથા પરિવારના એક લાયક સભ્યને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે અને આવા આતંકવાદીઓનો નાશ કરવા માટે સરકારે યુદ્ધ સહિતના તમામ કડક પગલાં લેવા જોઈએ. નેતાઓની સુરક્ષા માટે કમાન્ડોની ફોજ છે, પરંતુ સામાન્ય જનતાની સુરક્ષા માટે કોઈ નથી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર
સુરતના મૃતક શૈલેષભાઈની અંતિમયાત્રા દરમિયાન તેમના પત્નીએ બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકારે આ પરિવારોને ઓછામાં ઓછી ૧ કરોડ રૂપિયાની સહાય કરવી જોઈએ અને શક્ય હોય તો પરિવારના એક લાયક સભ્યને સરકારી નોકરી આપવી જોઈએ.