આપણું ગુજરાત

ગોંડલમાં રુપાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગી, જાણો સમગ્ર મામલો?

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ગોંડલમાં ભાજપના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે યોજાયેલા ક્ષત્રિય સમાજની બેઠકમાં ફરી એક વાર માફી માંગતા કહ્યું હતું કે હું સમાજ સામે બે હાથ જોડીને માફી માંગુ છું.

રૂપાલાના નિવેદનને પગલે ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા રોષને શાંત પાડવા માટે ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલ ખાતે મળેલા ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠકમાં રૂપાલાએ સમાજના આગેવાનો સામે બે હાથ જોડીને માફી માંગતા કહ્યું હતું કે મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે.

ક્ષત્રિય સમાજે મારૂં ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો છે. મને એક વાતનો મોટો રંજ છે. મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે.

રૂપાલાએ કહ્યું હતું કે મારાથી જે થયું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. મારા કારણે પાર્ટીને સાંભળવાનું થયું છે. મારી તરફેણમાં આવેલા લોકોનો આભાર માનું છે. કોઇ અંડર ટેબલ સમાધાનથી નથી આવ્યા, એક ક્ષત્રિયને છાજે તેવી રીતે સંમેલનનું આયોજન કર્યું છે. આજે સભાનો મહોલ છે પણ સંબોધન નહીં કરૂ.

રૂપાલાએ ફરી વાર માફી માગતા જણાવ્યું હતું કે મને એવો રંજ છે કે, મારી જીભથી આવું બોલાઈ ગયું છે. મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. આ આયોજન કરવા બદલ હું જયરાજસિંહ જાડેજાનો આભાર માનુ છું.

આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનોએ પણ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કરેલું નિવેદન યોગ્ય નથી, પરંતુ તેઓએ તુરંત માફી માંગી તો આપણે માફી આપી દેવી જોઈએ, ભૂતકાળમાં અનેક લોકોને માફી આપવામાં આવી છે તો પુરુષોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવો આગેવાનો દ્વારા મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિવાદ બાદ રૂપાલાએ માફી માગતા કહ્યું કે મારો આશય માત્ર વિધર્મી દ્વારા સંસ્કૃતિ અને દેશ પર જુલ્મ બાબતે હતો તેમ છતાં મારા પ્રવચનમાં ઉલ્લેખ થકી કોઇની પણ લાગણી દુભાઇ હોય તો હું દિલથી માફી માગુ છું અને દિલગીરી વ્યક્ત કરું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button