B.Com, BBA સ્નાતકો માટે સુવર્ણ તક! GSSSB દ્વારા 426 પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત; લાયકાત અને પગાર ધોરણની વિગતો જાણો…

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના નાણાં વિભાગ હેઠળની હિસાબ અને તિજોરીની કચેરીમાં વર્ગ-૩ના મહત્ત્વના સંવર્ગો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ ૪૨૬ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં મુખ્યત્વે બે સંવર્ગો – “પેટા હિસાબનીશ/સબ ઓડીટર” અને “હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક” નો સમાવેશ થાય છે.
આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રક્રિયા દ્વારા કુલ ૪૨૬ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩ સંવર્ગની સૌથી વધુ ૩૨૧ જગ્યાઓ અને હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ સંવર્ગની ૧૦૫ જગ્યાઓનો સમાવેશ થાય છે. GSSSB દ્વારા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે, જે OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in મારફત ભરવાના રહેશે. ઉમેદવારો ૧૭/૧૧/૨૦૨૫ (બપોરે ૧૪:૦૦ કલાક) થી લઈને ૩૦/૧૧/૨૦૨૫ (રાત્રે ૨૩:૫૯ કલાક) સુધીમાં પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકે છે.

આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA), બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA), બેચલર ઓફ કોમર્સ (B.Com) અથવા સાયન્સ/આર્ટ્સ પ્રવાહમાં ગણિત, આંકડાશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો, પેટા હિસાબનીશ/સબ ઓડીટર પદ માટે પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. ૨૬,૦૦૦ ફિક્સ પગાર રહેશે. જ્યારે, હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક પદ માટે પ્રથમ પાંચ વર્ષ માટે વાર્ષિક રૂ. ૪૯,૬૦૦ ફિક્સ પગાર મળી રહેશે.



