વર્ષ 2024માં અમદાવાદ-સુરત ઍરપૉર્ટ પરથી રૂ.66 કરોડનું 93 કિલોગ્રામ સોનું ઝડપાયું

અમદાવાદઃ છેલ્લા એક વર્ષ (2024) દરમિયાન અમદાવાદ-સુરત ઍરપૉર્ટ પર સોનાની તસ્કરી વધી હતી. મળતી વિગતો મુજબ વર્ષ 2024માં ડીઆરઆઈએ કુલ 66 કરોડ રૂપિયાનું 93 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. વર્ષ દરમિયાન અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ દાણચોરીનું સોનું ઝડપવા માટે કેટલાંક દિલધડક ઑપરેશન પણ કર્યાં હતા. આ પૈકીના એક કેસમાં તો એક સાથે 48 કિલો સોનું ઝડપ્યું હતું.
અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર અબુધાબીથી 24 મેના રોજ બે પેસેન્જર ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ આ ગોલ્ડ અંડર ગારમેન્ટમાં છુપાવી દીધું હતું. ડીઆરઆઈના અધિકારીઓને જાણ થતાં તેઓએ તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. બંને ઍરપૉર્ટ સર્કલ નજીક એક હોટલમાં ગયા હતા. આ હોટલમાં અગાઉથી જ ચેન્નાઈની ગેંગના કેરિયરો ફ્લાઇટ અને વંદે માતરમ એક્સપ્રેસના માધ્યમથી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. અધિકારીઓ પહોંચ્યા ત્યારે માલની ડિલીવરી અપાતી હતી તેથી ડીઆરઆઈની ટીમે ગોલ્ડ લઈને આવનારા અને લેનાર મળીને કુલ 10 લોકોની ધરપકડ કરીને 10.32 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ થતી હતી.
એપ્રિલ મહિનામાં જપ્ત થયું તે જ પ્રકારે એપ્રિલ મહિનામાં સુરતમાં એક જ્વેલર્સને ત્યાં દરોડા પાડીને 10 કરોડનું 18 કિલો ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ સોનું શારજાહથી આવેલા બે પેસેન્જરે ડિલીવર કર્યું હતું. આ બંને પેસેન્જરો દુબઈથી ગોલ્ડ લઈને શારજાહ અને ત્યાંથી સુરત ઍરપૉર્ટ આવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ મહિનામાં શારજાહથી સુરત આવેલા 48 કિલો ગોલ્ડ સાથે ત્રણ લોકોને ઝડપી લીધા હતાં, જેની કિંમત 25 કરોડ હતી.
આ પણ વાંચો : સુરતના કિમ સ્ટેશન નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું ડિરેલમેન્ટ, જાનહાનિ નહીં
DRIને નવેમ્બરમાં મળ્યું ગોલ્ડ ડીઆરઆઈએ નવેમ્બર મહિનામાં એક મહિલા પાસેથી ગોલ્ડ અને 1400 સિગારેટ મળી આવી હતી. ડિસેમ્બર મહિનામાં દુબઈથી આવેલી એક મહિલા પાસેથી કિંમતી ઘડિયાળો મળી હતી, સુરત ઍરપૉર્ટ ઉપર પણ એક મહિલા પાસેથી બે કરોડનું ગોલ્ડ પકડાયું હતું. ડીઆરઆઈની ટીમે 25 ડિસેમ્બરના રોજ બેંગકોકથી આવેલા પેસેન્જરના સામાનમાંથી 2.35 કરોડનું ત્રણ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડ એર કોમ્પ્રેસરની અંદર લગાવવામાં આવેલા પિસ્ટનમાં કન્સિલ કરીને છુપાવવામાં આવ્યું હતું.