Gujarat Riots: 2002 રમખાણોનો બદલો લેવા હથિયારો પહોંચાડનાર મહિલાની 18 વર્ષ બાદ ધરપકડ

અમદાવાદ: 2002ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોનો બદલો લેવાના ઈરાદે થિયારોની હેરફેરના આરોપસર 52 વર્ષીય મહિલાની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે. મહિલા છેલ્લા 18 વર્ષથી પોલીસની પકડથી બહાર હતી, મળતી માહિતી મુજબ ગત મંગળવારે અમદાવાદમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બાતમીના આધારે ATSએ અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીની વટવાના એક ઘરમાંથી 23 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તેને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. તેનો પતિ ફિરોઝ કાનપુરી પણ આ કેસમાં આરોપી છે, , 2009માં મૃત્યુ થયું હતું.
અહેવાલ અનુસાર, અમદાવાદમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા દંપતીએ અન્ય લોકો સાથે મળીને હથિયાર અને કારતુસ ખરીદવા માટે 50,000 રૂપિયા એકઠા કર્યા હતા. ગોધરા રમખાણોનો બદલો લેવા માટે શહેરના ત્રણ શખ્સો વારિસ પઠાણ, નસીમ પઠાણ અને નાદિર ખાન પઠાણે ભંડોળ એકત્ર કરીને શસ્ત્રો અને દારૂગોળો ખરીદવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓએ 2005 માં લોકો પાસેથી 50,000 રૂપિયા એકઠા કર્યા અને ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતુસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા. આ ચારેય લોકોની 2005માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બંદૂકો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ટ્રાયલ પર છે.
ATSએ નિવેદનમાં જણવ્યું હતું કે “તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે ફિરોઝ કાનપુરી અને તેની પત્ની અંજુમ કાનપુરી પણ આ ગુનામાં સામેલ હતા. ગુલામની કબુલાત અનુસાર, તેઓ તેમના વાહનમાં દાહોદ ગયા હતા અને કેટલાક શસ્ત્રો એકઠા કર્યા હતા અને અમદાવાદના વારિસને પહોંચાડ્યા હતા.”