Godhra 2002 ટ્રેન અગ્નિકાંડ કેસની સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ સુનાવણી…
નવી દિલ્હી : ગુજરાતના વર્ષ 2002ના ગોધરા(Godhra)ટ્રેન અગ્નિકાંડ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીના રોજ હાથ ધરશે. આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને અરવિંદ કુમારની બેન્ચે કેસ મૂલતવી રાખવાની માંગ કરતાં પક્ષકારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, અમે 6 વખત આ સુનાવણી મુલતવી રાખી છે. છેલ્લા એક વર્ષથી હું આ મામલાને મુલતવી રાખી રહ્યો છું.
આ પણ વાંચો : મહિલાઓ પુરુષો કરતા બાળકોથી વધારે પરેશાનઃ અભ્યમ હેલ્પલાઈન પર મા-બાપનો મારો
તેમજ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે તે 2002 ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં પેન્ડિંગ ફોજદારી અપીલોને વધુ મુલતવી રાખવા માંગતા નથી. તેથી આ કેસને 13 ફેબ્રુઆરીના રોજ કેસ નંબર 1 તરીકે અંતિમ સુનાવણી માટે નક્કી કરવામાં આવી છે.
મૃત્યુદંડને આજીવન કેદમાં રૂપાંતરિત કરવા વિરુદ્ધ અપીલ
આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં અપીલકર્તાઓ અને આરોપીઓના વકીલોએ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા જેમાં માફી માટે દોષિત વ્યક્તિઓની અરજીઓ રાજ્ય સમક્ષ પેન્ડિંગ છે અને પહેલા તે નક્કી કરવી પડશે. જ્યારે વરિષ્ઠ વકીલ સંજય હેગડે એ રજૂઆત કરી હતી કે આ કેસમાં દોષિતોએ ફોજદારી અપીલ દાખલ કરી છે અને ગુજરાત રાજ્યએ પણ મૃત્યુદંડને આજીવન કેદમાં રૂપાંતરિત કરવા વિરુદ્ધ અપીલ કરી છે.
S-6 કોચમાં આગ લાગતાં 58 લોકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ અયોધ્યાથી કાર સેવકોને લઇને આવતી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગતાં 58 લોકો માર્યા ગયા હતા. ગોધરા ઘટનાના કારણે ગુજરાતમાં કોમી રમખાણો થયા. જેમાં માર્ચ 2011 માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 11 ને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી અને બાકીના 20 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જ્યારે અન્ય 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે 11 લોકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી
આ કેસમાં વર્ષ 2017 માં ગુજરાત હાઈકોર્ટે 11 લોકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી અને 20 અન્ય લોકોને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું. જ્યારે 13 મે 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે દોષિતોમાંથી એક, અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કનાકટ્ટો ઉર્ફે જાંબુરોને તેની પત્નીના ખરાબ તબિયતના કારણે છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. જ્યારે 11 નવેમ્બર 2022ના રોજ કોર્ટે તેના જામીનનો સમયગાળો 31 માર્ચ 2023 સુધી લંબાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે 8 આજીવન કેદના દોષિતોને જામીન આપ્યા
જ્યારે 15 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ગોધરા ઘટના કેસમાં આજીવન કેદની સજા પામેલા ફારૂકને જામીન આપ્યા હતા. તેમજ નોંધ્યું હતું કે તેણે તેની સજાના 17 વર્ષ પૂરા કર્યા છે અને તેની ભૂમિકા ટ્રેન પર પથ્થરમારા સાથે સંબંધિત હતી. એપ્રિલ 2023 માં સુપ્રીમ કોર્ટે 8 આજીવન કેદના દોષિતોને જામીન આપ્યા.
આ પણ વાંચો : ગુજરાત પોલીસની નવી પહેલ, પોલીસ સ્ટેશનમાં એક જ છત નીચે મળશે આ 4 સેવા
જામીન આપવાનો ઇનકાર કર્યો હતો
આ ઉપરાંત ઓગસ્ટ 2023 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેન્ચે સૌકત યુસુફ ઇસ્માઇલ મોહન ઉર્ફે બિબિનો, સિદ્દીક ઉર્ફે માટુંગા અબ્દુલ્લા બદામ-શેખ અને બિલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચીને તેમની ચોક્કસ ભૂમિકાઓને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.