દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા આદિપુરના ફાઈનાન્સરને ગોવાની કોર્ટે નિર્દોષ કર્યો મુક્ત…
ભુજ: ગાંધીધામ સંકુલના આદિપુર શહેરના અનંત તન્ના નામના જાણીતા ફાઇનાન્સર પર ગોવામાં દુષ્કર્મ સહિત વિવિધ ગંભીર કલમો તળે નોંધાયેલી ફરિયાદ બોગસ હોવાનું પોલીસ તપાસમાં પૂરવાર થતાં ગોવાની ફાસ્ટ ટ્રેક કૉર્ટે તન્નાને બિન તહોમત મુક્ત કરી દીધા છે.
ફાઇનાન્સર સામે ખોટી ફરિયાદ નોંધાવનારી યુવતી સહિતની ગેંગ પૈસાદાર પુરુષોને હની ટ્રેપમાં ફસાવી, દુષ્કર્મની ખોટી ફરિયાદનો ડર બતાવીને રૂપિયા પડાવી લેવાતા હોવાનો અત્યારસુધીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ગોવા પોલીસે આ યુવતી અને તેની મિત્ર સહિત ત્રણ લોકો વિરુધ્ધ ગત ઑગસ્ટ 2023માં ફરિયાદ નોંધી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી જેની છાનબીનમાં આ ગેંગે ગોવા અને ગુજરાતમાં બળાત્કાર અંગેની પાંચથી વધુ ફરિયાદો નોંધાવી હોવાનું સ્પષ્ટ થયું હતું.
કરતૂતોનો ઘટસ્ફોટ થયાં બાદ ગોવા પોલીસે અનંત તન્નાના કેસમાં પૂરક ચાર્જશીટ સાથે બી સમરી ભરી હતી. ટ્રાયલ કૉર્ટે તેને અવગણીને ચાર્જ ફ્રેમ કરવા હુકમ કરતાં તન્નાએ હાઈકૉર્ટમાં અરજ કરતાં હાઈકૉર્ટે ટ્રાયલ કૉર્ટનો હુકમ રદ્દબાતલ ઠેરવીને પૂરક ચાર્જશીટ તથા બી સમરી રીપોર્ટને ધ્યાને લઈ કાયદેસર પ્રક્રિયા હાથ ધરવા કરેલા હુકમ બાદ ટ્રાયલ કૉર્ટે તન્નાને ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર 2022ના રોજ અનંત તન્નાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે કચ્છ લડાયક મંચ નામની સંસ્થાના પ્રમુખ રમેશ રણછોડદાસ જોશી, રમેશના નાના ભાઈ શંભુ જોશી, ભુજના કહેવાતા બિલ્ડર કમ હોટેલિયર વિનય ઊર્ફે લાલો વિનોદ રેલોન, ભાનુશાલી હત્યા કેસના આરોપી જેન્તી ઠક્કર, જેન્તીના ભાણિયા કુશલ ઠક્કર, ભચાઉના વકીલ હરેશ કાંઠેચા, સુરતની યુવતી આશા ઘોરી અને અંજારના મનીષ મહેતા સહીત કુલ આઠ શખ્સો વિરુધ્ધ બદનામ કરવાની ધમકી આપી દસ કરોડ રૂપિયાની ખંડણી માંગતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના થોડાં દિવસો બાદ ગોવાના કલંગુટ પોલીસ મથકે અનંત તન્ના વિરુધ્ધ દુષ્કર્મ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ હતી.
ગોવામાં નોંધાયેલી ફરિયાદમાં તન્ના ફરિયાદી યુવતીના કોઈ સંપર્કમાં હોવાના પૂરાવા જ પોલીસને મળ્યાં નહોતાં. ગોવાની કૉર્ટે પણ ફરિયાદની સત્યતા પર સંદેહ દર્શાવી તન્નાને જામીન આપ્યાં હતા.